3 John

1જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસને લખનાર વડીલ: 2ભાઈ, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો જીવ કુશળ છે તેમ તું સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે. 3કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તે પ્રમાણે તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો. 4મારાં બાળકો સત્યમાં ચાલે છે તેવું હું સાંભળું છું, તે કરતાં મને બીજો મોટો આનંદ નથી.

5ભાઈ, જયારે ભાઈઓને માટે, હા, અજાણ્યા ભાઈઓને સારુ તું જે કંઈ કામ કરે છે; તે તો વિશ્વાસુપણે કરે છે. 6તેઓએ તારા પ્રેમ વિષે વિશ્વાસી સમુદાય આગળ સાક્ષી આપી છે. ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે તું તેઓને આગળ પહોંચાડશે તો તું સારું કરશે. 7કેમ કે તેઓ ઈસુના નામની ખાતર બહાર નીકળ્યા છે અને બિનવિશ્વાસીઓ પાસેથી કંઈ લેતા નથી. 8આપણે તેવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ કે જેથી આપણે સત્યનો પ્રચાર કરવામાં તેઓના સહકારીઓ થઈએ.

9મેં વિશ્વાસી સમુદાયને કંઈ લખ્યું, પણ દિયોત્રેફેસ, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે, તે અમારો સ્વીકાર કરતો નથી. 10તે માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ; તે અમારી વિરુદ્ધ ખરાબ બોલીને બક્વાસ કરે છે, તેટલેથી સંતુષ્ટ ન થતાં પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી; તેમ જ જેઓ અંગીકાર કરવા ચાહે છે તેઓને તે અટકાવે છે અને વિશ્વાસી સમુદાયમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.

11ભાઈ, દુષ્ટતાને નહિ, પણ સારાને અનુસરો. જે સારું કરે છે તે ઈશ્વરનો છે, જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી. 12દેમેત્રિયસ વિષે સઘળાં તથા સત્ય પોતે સાક્ષી પૂરે છે; અમે પણ સાક્ષી પૂરીએ છીએ અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે.

13મારે તારા પર ઘણું લખવાનું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા માગતો નથી, 14પણ હું તને સમયસર મળવાની આશા રાખું છું ત્યારે આપણે મુખોપમુખ વાત કરીશું. 15તને શાંતિ થાઓ. મિત્રો તને કુશળતા કહે છે. સર્વના નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.

Copyright information for GujULB